કરીએ અંતરથી તમને પોકાર,
રામ તમે આવોને.
છોડી કામ તમે આજ હજાર,
રામ તમે આવોને.
હેત હૈયામાં રઘુવીર છલકાઈ રહ્યાં,
નયન તવવિયોગે ઊભરાઈ રહ્યાં,
આવ્યો રામનવમીનો તહેવાર,
કે રામ તમે આવોને.
રામરુપ ધરીને રાવણ સંતાપે,
માઝા મૂકી છે મર્યાદાને પાપે,
ઠેરઠેર દીસે અત્યાચાર,
કે રામ તમે આવોને.
નાથ વિલંબ શીદને કરતા હવે,
ધીરજ હજુએ કેટલી ધરતા હવે,
હરવાને ભૂમિ તણો ભાર,
કે રામ તમે આવોને.
નથી સલામત નારી અહલ્યા અહીં,
રક્ષો રઘુકુલતિલક એ પ્રાર્થી રહી,
કરો કરોને ધનુષ ટંકાર,
કે રામ તમે આવોને.
કરી પ્રતિક્ષા થાકી છે શબરી નારી,
બોર એનાં આરોગવા આવો હરિ,
એની ભાવનાને સદા જોનાર,
કે રામ તમે આવોને.
- ચૈતન્ય જોષી, ' દીપક ' પોરબંદર.