આંખમાં મોઘમ હતું એ વાંચવું ભૂલી ગયા
પ્રેમનો રસ્તો મળ્યો તો ચાલવું ભૂલી ગયા
કોઈ પૂછે તો પ્રણયની વારતા છે એટલી
દિલ જરા તૂટી ગયું ને સાંધવું ભૂલી ગયા
રાત-દિન એ શોધવામાં ખોઈ નાખી જિંદગી
એકબીજાનાં હ્રદયનું બારણું ભૂલી ગયા
એક પળમાં લાગણી જાહેર થઈ ચર્ચાઈ ગઈ
એક આંસુ આંખમાં સંતાડવું ભૂલી ગયા
એકલો દીવો હતો ને રાત વરસાદી હતી
આપણે હોવાપણું ઓગાળવું ભૂલી ગયા
એ વળાંકે આજ પણ ઊભા છીએ વર્ષો પછી
આપથી જુદાં થયા ને ક્યાં જવું ભૂલી ગયા
ચેતન પ્રજાપતિ