... " હસવું આવી ગયું "
ક્યારેક ખુદ પર તો ક્યારેક હાલાત પર હસવું આવી ગયું.
જમાનાએ જ દિધેલા હર આઘાત પર હસવું આવી ગયું.
આપી બુદ્ધિ માનવને પણ નોતરે વિનાશ, એ શું કામની?
હે ઈશ્વર મને તારી આપેલ સોગાત પર હસવું આવી ગયું.
ચાલો, માની લીધું કે તમે જીતી ગયાં છો પ્રણયની રમત!
પણ, મને તો મારી જ થયેલ માત પર હસવું આવી ગયું.
એક તણખલું રામ નામનું લઈને, તરી ગયો હું ભવસાગર!
મને હથેળીમાં લખેલી પાણીની ઘાત પર હસવું આવી ગયું.
જીવન તો રહ્યું છે હમેશાં જ કોરું ધાકોડ "વ્યોમ" માફક,
તો, પેલી અમાસની અંધીયારી રાત પર હસવું આવી ગયું.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર