....." કોરું પાનું ડાયરીનું "
ડાયરીના એક પાનાએ આજ મને પૂછ્યું;
કેમ ભાઈ, તારાથી પાનું આજ કોરું છૂટ્યું?
ફૂલ તો જો હવે સાવ કરમાઈ જ ગયું છે,
શું એમાંથીયે નથી કોઈ સ્મરણએ ફૂટયું?
લઈલે કલમ હાથ અને તું કર શરૂઆત,
લખ એ નામ પહેલું હૃદયે સદા જે ઘૂંટ્યુ;
શબ્દોના સહારે અને અનુભવોને ઘૂંટતાં!
ઊતાર એ, દિલમાં જે કંઈ પણ છે ખૂંચ્યું;
પ્રેમ સાગરમાં લાંગરેલ હોડી, ત્યારે ડૂબી!
જ્યારે એક હલેસું મઝધારે જઈને તૂટ્યું;
એ તો ના મળી શક્યા અમને જીવનભર,
પણ, એમની જેમ જ ઘર ભૂલી ગયું મૃત્યુ?
ચોધાર આંસુડે "વ્યોમ" જ્યારે રડી આંખો,
કોઇએ આવી ક્યાં એક આંસુએ લૂછ્યું?
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર