પંથ તારી કરે છે પ્રતિક્ષા ચાલ મુસાફર.
ના વાગોળજે હતી જે ગઈકાલ મુસાફર.
અંતરાયો તો આવેને જાય ક્રમ દુનિયાનો,
પરિશ્રમે પ્રસ્વેદે મિટાવ અંક ભાલ મુસાફર.
હમસફર હરવખ્ત ન પણ મળે એવું બને,
એકલો થૈને એકડો કર કર્મને વ્હાલ મુસાફર.
તું જ બની જા તારો ભાગ્યવિધાતા હવે તો,
હાથ મહેનત તણો હરપળે તું ઝાલ મુસાફર.
સફળતાને આવતીકાલ બંને તારી છે ના ભૂલ,
હિંમતને બનાવી દેજે જીવનની ઢાલ મુસાફર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.