થોડા દિવસો પહેલા હું આશ્રમરોડ ઉપર ઠાકોરભાઈ હોલ થી નહેરુબ્રિજ તરફ જતો હતો ત્યારે ટ્રાફિક સિગ્નલ પાસે એક અદભુત દ્રશ્ય જોઈ મને ખુબજ આશ્ચર્ય થયું. ફક્ત ચાર કે પાંચ માસ ના બાળક ને તેડીને એક સ્ત્રી તે બાળક ને બતાવી દરેક રાહદારી જે સિગ્નલ પાસે ઉભૉ રહેતો તેની પાસેથી ભિક્ષા માંગી રહી હતી. મને એ દ્રશ્ય જોઈને ખુબજ દુઃખ થયું. કારણકે ચાર કે પાંચ માસ ના બાળકને હજી કશી ગતાગમ નથી છતાંપણ આટલી નાની એને કુમળી વયે તેને આગળ ધરી ભિક્ષાવૃત્તિ નાં ઉપયોગ માં લેવાય છે.
અત્યારથી જ તે બાળક નો કેવો ઉપયોગ કરવામાં આવેછે અને તે પણ અત્યંત ટ્રાફિકવાળા અને અમદાવાદના નાક સમા ગાંધી બાપુના નામ ઉપરથી જે માર્ગ નું નામ છે તેવા આશ્રમરોડ ઉપર? તે બાળક નો શું વાંક? શું તેનો જન્મ થતાંવેંત એની કમાવવાની ફરજ હોય તેમ તેને ભિક્ષાવૃતિ માં જોતરવામાં આવે છે તે યોગ્ય છે?એટલા માસુમ બાળક ને ગમે તેટલો તડકો, ટાઢ કે વરસાદ હોય તો પણ ઉઘાડા ડીલે આવી પ્રવૃર્તી કરવા માટે ફરજ પાડવામાં આવે એ કેટલું દયાજનક કહેવાય. આ આપણા સુજ્ઞ સમાજ ની કડવી સચ્ચાઈ અને નરી વાસ્તવિકતા છે.
આટલી બધી આવનજાવન, ટ્રાફિક, વાહનો વચ્ચે આ બાળક ની દયા પણ ઘણા ને આવે છે પરંતુ આટલા માસુમ અને નાના બાળકને ભિક્ષાવૃત્તિ માં બળજબરી પૂર્વક ઢસડવામાં આવે તે કેટલા અંશે યોગ્ય?
એક વિચાર માંગી લ્યે એવી આપણાં સાંપ્રત સમાજની આ વાત છે.