તમે તો રમત રમી લીધી પણ મારી ભાવનાનું શું?
મને ઢીંગલી ધારી લીધી પણ મારી ભાવનાનું શું?
આદરી હતી રમત તમે ધબકતા એક ઉર સાથે,
આશાને પૂરી કરી લીધી પણ મારી ભાવનાનું શું?
જડ જેવા જડ પણ શરમાય તમને માણસ કહેતાં,
મધુવેણથી છેતરી લીધી પણ મારી ભાવનાનું શું?
કોઈનાં અરમાનો કચડવામાં બહાદુરી સમજો છોને?
ખોટી ખાતરી દીધી લીધી પણ મારી ભાવનાનું શું?
આંખથી અંતર ખળભળાવી કિનારો કરી લીધો પછી
મઝધારે મુજને મૂકી દીધી પણ મારી ભાવનાનું શું?
નહિ માફ કરે કિરતાર આવા તકસાધુઓને કદી પણ
ઉરઅગન આંખે ભરી લીધી પણ મારી ભાવનાનું શું ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.