....." જિંદગી કપાઈ રહી છે "*
કોને કહું કે કેમ? જિંદગી કપાઈ રહી છે;
હાલ તો હેમખેમ, જિંદગી કપાઈ રહી છે;
જો તમે કહો જલસા, તો હા છે જલસા!
પણ છે તમારો વ્હેમ, જિંદગી કપાઈ રહી છે;
જવાબદારીના ઘર્ષણનો જ છે બધો ચળકાટ,
સમજતા નહીં હેમ, જિંદગી કપાઈ રહી છે;
પામીશ મંજિલ, મારા બાવળાના બળ પર!
નથી જોઈતી રહેમ, જિંદગી કપાઈ રહી છે;
મજબૂત બાંધ્યો બંધ, આંખોની પાંપણો પર!
મિત્ર પાસે કેમ તૂટે ડેમ? જિંદગી કપાઈ રહી છે;
મળી વાહવાહી, જ્યાં ક્હ્યું સભામાં દર્દો વિશે!
પછી લીધી મૌનની નેમ, જિંદગી કપાઈ રહી છે;
આપી શકે તો આપ "વ્યોમ" તું સાથ હમેશાં,
બાકી તો, જેમતેમ! જિંદગી કપાઈ રહી છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર