" પક્ષી ચહેકતું હતું "
તપતી બપોરમાં સુકાઈ ગઈ છે, ડાળીઓ વૃક્ષોની!
બસ, એક લીલીછમ રહી જ્યાં પક્ષી ચહેકતું હતું;
ખરી રહ્યાં છે ફુલડાં ઉપવન તણાં, એક પછી એક!
સૂર્યના તાપમાં ભરબપોરે, તોય ઉપવન મહેકતું હતું;
લચી પડી છે કેરીઓ આમ્રડાળી પર ચૈત્ર મહિનામાં,
ને લાલ ચુંદડી ઓઢી દૂર એક ગુલમહોર ઝુલતું હતું;
નગરની સાથે સાથે સુમસામ થયા રસ્તા ગ્રીષ્મ ઋતુમાં,
એક પશુ બીચારું આમતેમ છાંયડા માટે ભટકતું હતું;
માણી લે છાંયડો વૃક્ષનો જો મળ્યો છે મોકો બપોરમાં,
કોંક્રીટના જંગલમાં તો હર ક્ષણે એક વૃક્ષ વઢાતું હતું;
થાકી ગયો એક કઠિયારો, ઝાડવાંઓ કાપતાં કાપતાં!
આકુળવ્યાકુળ મન હવે "વ્યોમ" છાંયડો શોધતું હતું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર