પપ્પા મારાં રાજા જેવાં , હું એની દુલારી
પલકો પર ઝૂલાવી મુજને એણે છે આકારી
તું જ પરીને લક્ષ્મી પણ તું એવું પપ્પા કહેતાં
રિદ્ધિ સિદ્ધિ સરસ્વતીને તું મારી ખુમારી
જીદ કરું તો હસતાં હસતાં એને પણ એ પોષે
પાણી માંગુ દુધ થમાવી મુજ પર દે ઓવારી
મમ્મીની કરડાકી સામે ઢાલ બને મુજ પપ્પા
જાવા દેને, માફ કરી દે , નાની છે બિચારી
મમ્મી કહેતી પપ્પા તારાં હરદમ રહે વિચારી
દીકરી મારી થાય ન મોટી રહે હરદમ નાનેરી
મારાં સપનાં, મારી ઈચ્છા, મારી સહુ મ્હેલાતો
પ્રશ્ન હજી પણ ,કૈ રીતે મુજ પપ્પાએ સાકારી ?
જીવનભર હારી જઇ મુજને જીતાડનારા પપ્પા
ખુદની જ્યાં બિમારી આવી કેમ ગયાં ત્યાં હારી ?
વિત્યા વરસો તો પણ લાગે ઉભા ત્યાંને ત્યાં
મોભ વગરનું ઘર છે સૂનું , સૂની આભ અટારી
કવયિત્રી ---પ્રજ્ઞા વશી , સુરત