"તેં ખજૂરાહોનાં મંદિરો જોયાં છે? તેની પેનલ્સ અને શિલ્પાકૄતિઓ જોઈ છે? એ જોઈને તને ધૄણા ઊપજી હતી? કે તેનાં... અનુપમ શિલ્પો જોઇને તેં ફોટોગ્રાફ્સ પણ લીધા હતા? "
" લીધા હતા... એ 'સેક્સ્યુઅલ ઓર્જિન શિલ્પો છે એટલે નહિ'. "
" તો? "
" શિલ્પકળાનો ઉત્તમોત્તમ નમૂનો છે માટે. "
" પણ તેમાં ઉત્તમ શું જણાયું? " અવનીશએ પૂછ્યું.
ઈશાન વિચારમાં પડ્યો.
" શા માટે એ જિન્સી, જાતીય, અનંગસંવેગથી ભરેલાં શિલ્પો તને ગમ્યાં? "
" વેલ... એ આકૄતિઓની અદ્ઃભુત સપ્રમાણતા.... તેની કારીગરી..."
" એ સિવાય? " ભગવાને પૂછ્યું. ઈશાને જવાબ ના આપ્યો.
" શા માટે ખજુરાહો લોકોને ગમે છે? લોકોને તેના વિશે સૂગ કેમ નથી? શા માટે બધા એ જુએ છે? તેના ફોટોગ્રાફ્સ લે છે?..... તેનો જવાબ છે. કારણ એ આકૄતિઓનો ભાવ.... પારાવાર અનંગાઆવેગમાં ઉન્મત્ત થવાં છતાં તેમના કંડારાયેલા ચહેરા પરનો અદ્ભુત સંવેગ... શાંતિ... ચિદાનંદ અને નિર્ભેળ સંલગ્નતા. માણસ જ્યારે એ શિલ્પો જુએ છે ત્યારે તેનામાં આસુરી હવસખોર ભાવનઓ પેદા થાતી નથી. બ્લૂ ફિલ્મોમાં જોવા મળતી તદ્દન કામુક, બેઢંગી, કદરૂપી 'સેક્સ' ત્યાં નથી. ત્યાં બ્લૂ ફિલ્મોના નિર્માતાઓ અને પાત્રોને પણ અચરજ થાય તેવાં દ્રશ્યો કંડારેલાં છે છતાં તેમાં લોલુપતા નથી. વિષયાસક્ત તંગ ચહેરા નથી. સત્યમ્ શિવમ્ સુંદરમ્ નો અનુલેખ તેમનાં અંગોમાં કોરેલો છે, આંખોમાં કંડારેલો છે.
'સેક્સ' ને આપણે જીવનમાં ગેરવાજબી પ્રાધાન્ય આપ્યું છે. તેને પાપ ગણ્યું છે. પ્રચ્છન્ન માનવજરૂરિયાત ગણી છે. તેનો સ્વીકાર કર્યો છે પણ તે અંધકારમાં, આપણાં બાળકોને આપણે નાનપણથી એક અંધકારમાં રાખીએ છીએ. તેમને તેથી જ કુતૂહલ થાય છે. એ જિજ્ઞાસાને, તેમના કુતૂહલ થાય છે.
એ જિજ્ઞાસાને, તેમના કુતૂહલને સંતોષવા માટે તેમની પાસે કોઈ રસ્તો નથી. તેથી તે બીજાને, સમવયસ્કને પૂછે છે. કશુંક વાંચવા-જોવા પ્રયાસ કરે છે અને તે કામ પણ તે મુક્ત રીતે કરી શકતું નથી. તેને છુપાવીને પુસ્તક લાવવું પડે છે, ફોટા લાવવા પડે છે. ફિલ્મો જોવી પડે છે. અર્ધદગ્ધ બીજા અર્ધદગ્ધને પૂછે છે. અજ્ઞાની બીજા અજ્ઞાનીને પૂછે છે. અંધારે બેઠેલું ઘુવડ ચીબરીને પૂછે છે સુર્યનું તેજ ક્યાં સુધી પહોંચે છે?"
" એટલે તમે અનિયંત્રિત સેક્સને પુરસ્કૄત કરો છો? " ઈશાને અંગ્રેજીમાં પ્રશ્ન કર્યો.
" નિયંત્રિત અને અનિયંત્રિત 'સેક્સ' શબ્દ વાપરીને જ, આપણે આવી વાતને જટિલ બનાવીએ છીએ. જે ઉર્જા છે તે અનિયંત્રિત જ હોય છે. જે અન્ય પરિબળોથી, કશીક ચાલાકીથી, કશીક કૄત્રિમતાથી નિયંત્રિત થઈ શકે છે અને ત્યારે તે નૈસર્ગિક નથી રહેતી. યુવાનોને, કિશોરોને, કિશોરીઓને, નગ્ન ફોટા જોવા ગમે છે, કારણ તેમને શરીરનો પરિચય નથી.
સૌ કપડાં પહેરે છે. કોઈ કહેશે નગ્નતાને ઢાંકવા સૌ કપડાં પહેરે છે. હું સંમત નથી એવી વાતથી. કપડાં એવી રીતે પહેરાય છે જેથી શરીરના વળાંકો દેખાય, ઊપસી આવે. કંઈક પાતળા તાણાવાણામાંથી દ્રશ્યમાન થાય. મિનિસ્કર્ટ કે મીડીસ્કર્ટ કે પછી શોર્ટસ કે આ શચીએ પહેરેલું જીન્સ. અંગો દેખાય છતાં ઢંકાયેલા રહે. શા માટે? એ પ્રાણીજન્ય છે. નગ્નતા નૈસર્ગિક છે. કપડાં કૃત્રિમ આવરણ છે. શરીરના રક્ષણ માટે કપડાં પહેરવામાં આવે એવું કોઈ કહે તો એ વાજબી છે.
- અંગાર, પૃષ્ઠ- ૨૦૪ થી ૨૦૬.
લેખક- અશ્વિની ભટ્ટ.