"સાચી સમૃદ્ધિ"
અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારી થી આપણા વોશરૂમ સુધી નું હોય છે,ત્યારે ફક્ત આંખો જ નહીં, ચાદર પણ ભીની થાય છે, ઓશિકા, ગાદલાં, કપડાં બધું જ પલળે છે!
બાળપણમાં ડાયપર માં થી માંડ નીકળેલા આપણે ફરી પાછા ડાયપર માં પ્રવેશી એ છીએ. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની,ડાયપર ની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી.
એ તબક્કે કબાટ માં પડેલા પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ અને ચેક બુક ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે !,
વોશરૂમ માં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, સામા ચાલી ને આપણા સુધી આવી પણ નહીં શકે. મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈ ને આપણને જોયા કરશે અને આપણ ને વોશરૂમ સુધી જવાની લક્ઝરી પણ નહિ મળે.
ત્યારે જિંદગી આપણા વશમાં નહીં હોય અને આપણે પોતે પથારી વશ હોઈશું!
જીવતર ના બોર્ડ ની પરીક્ષા નું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે.
ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘર ના કોઈપણ ખૂણે થી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન (BedPan) લઈને હાજર થઈ જાય તો સમજવું કે આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું.
ભરજુવાની ના દિવસો માં જે સંબંધ હાથ માં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો, એ જ સંબંધ જો હાથ માં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંક ના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ.
- ડૉ. નિમિત્ત ઓઝા
🙏🏻👌🏻🙏🏻