બે નજર ટકરાઈ જાશે તો ઘણું,
એ જરા શરમાઈ જાશે તો ઘણું.
એ ભલે બોલે નહી મારા વિષે,
હોઠ બે મલકાઈ જાશે તો ઘણું.
“હું નહી હોઉં છતાં ચાલી જશે”
આટલું સમજાઈ જાશે તો ઘણું.
જીવવા આથી વધુ શું જોઈએ?
શ્વાસ બે સચવાઈ જાશે તો ઘણું.
એટલે હું વૃક્ષનું સિંચન કરું,
પાંદડું હરખાઈ જાશે તો ઘણું.
બસ વધારે કોઈ ઈચ્છા છે નહી,
બાહમાં જકડાઈ જાશે તો ઘણું.
રાત પડતા એ વિચારું છું પ્રશાંત,
વાયદો જળવાઈ જાશે તો ઘણું.
...પ્રશાંત સોમાણી