"બડાઈની દુનિયા"
આજ કલ જ્યાં જુઓ ત્યાં ખોટા દેખાડો કરતાં લોકો નજરે પડે છે. એ વ્યક્ત્તિ ખરેખ છે શું અને એની સાચી ક્ષમતા શું છે એની એને પોતાને જ ખબર હોતી નથી. એ તો બસ માત્ર બીજી/સામેની વ્યક્ત્તિ કરતાં પોતે વધારે યોગ્ય છે કે વધારે સક્ષમ છે એ દર્શાવામાં જ રચ્યો પચ્યો રહે છે. પોતે કયાં સ્તર પર છે અને એનું કેટલું જ્ઞાન છે એ સમજ્યા વિચાર્યા વગર બસ બડાશ જ મારતો હોય છે. પોતે બીજા કરતાં કોઈ પણ બાબતે પાછળ ના રહી જાય કે નીચો ના દેખાય એ જ પ્રયાશ માં મસ્ત રહે છે.
મોટા ભાગની વ્યક્તિ ક્યારેય એ સ્વીકારતી નથી કે એના માં જ્ઞાનનો વધારો કરવાની, કંઈક નવું શીખવાની જરૂર છે. અધૂરી જ્ઞાન વાળી વ્યક્તિ જયારે પણ સમૂહમાં કે કોઈક સાથે ચર્ચામાં પડી હોય ત્યારે પોતે જ બધું જાણે છે અને સમજે છે એવો ખોટો દેખાવ કરે છે. અસલ માં એને એ બાબતે કશું કાંઈ ખબર હોતી નથી પરંતુ શું કરે એ વ્યકિતને સામે વાળી વ્યક્ત્તિ કરતાં કોઈ પણ હાલત માં યોગ્ય દેખાવું હોય છે. તો, શું આ દેખાવ યોગ્ય છે? શું આપણે ખોટા હોઈએ કે કોઈ વસ્તુ નું ઓછું જ્ઞાન હોય તો કહી નાં શકીયે કે મારી ભુલ છે કે આ વસ્તુ નું મને જ્ઞાન નથી કે મને ખ્યાલ નથી? શાં માટે લોકો એ સાબિત કરવાની રેસ માં લાગ્યાં છે કે હું તમારાં કરતાં યોગ્ય છું શ્રેષ્ઠ છું? શાં માટે કોઈ વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ સામે વાળી વ્યકિત મુજબ બદલ્યા કરે છે? શું આપણે બીજા સામે બડાઈ મારવી જોઈએ?
મારા મત અનુસાર દેખાડો, ભપકો કે બડાઈ એ ચેહરા પરનાં મેક-અપ જેવાં છે જે થોડા સમય માટે તમને સુંદર તો બનાવે છે પરંતુ જો એ જ મેક-અપ લાંબા સમય સુધી ચેહરા પર લગાડી રાખીએ તો એ આપણને પોતાને જ નુકશાન કરે છે એ પ્રકારે આ બડાઈ પણ પોતાને માટે જ નુકશાન કારક છે. જેમ મેક-અપ ને રાત્રે સુતા પેહલા અચૂક સાફ કરવાનો હોય છે એજ પ્રમાણે આપણે પણ આપણાં વ્યક્તિત્વ ને શુધ્ધ રાખીએ, સાફ રાખીએ તો રાત્રે અચૂક સારી નિંદ્રા આવશે. તો બડાઈ નો મેક-અપ ઉતારો અને ઓરિજિનલ (કુદરતી) વ્યકિતત્વ અપનાવો.
ઉજાસ