મારી આંખે કંકુના સૂરજ આથમ્યા .
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા .
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ,
ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા .
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો;
અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા .
ભાવાર્થ: કવિ શ્રી રાવજી પટેલની આ કવિતામાં ગુજરાતી ભાષામાં લાગણીની અભિવ્યક્તિ સર્વોત્તમ કક્ષાએ છે.શ્રી રાવજી પટેલને કૅન્સર થયું હતું . કેન્સર થયા પછી એમણે આ ગીત રચ્યું . ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ એ પત્નીના ભૂંસાતા સેથાનું અને ચાંદલાનું પ્રતીક છે.કાવ્યનો એક એક શબ્દ એક એક અશ્રુનો મોહતાજ છે. જિંદગીની સફરમાં છેલ્લું સ્ટેશન છે, મૃત્યુ. મૃત્યુની ગમગીની વ્યક્ત કરતું આનાથી કરુણ ગીત આપણે નથી સાંભળ્યું. આ ગીત જ્યારે જ્યારે સાંભળ્યું ત્યારે ત્યારે અશ્રુધારા અટકી નથી. એ કમાલ છે ગીતના શબ્દોની, કારુણ્યસભર રાગ શિવરંજનીના સ્વરોની, અજિત શેઠના સ્વરાંકનની અને ભૂપિન્દર સિંહના ઘેરા અવાજની. અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભૂપેન્દ્રસિંહ સિંહ એ ત્રણેયના અવાજમાં આ ગીત છે. ત્રણેય સ્વરાંકનો સરસ છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ના ઘેરા અવાજનું દર્દ કે તેમજ રાગ શિવરંજનીના સ્વરો, શ્રોતા ને હલબલાવી મુકે છે, રડાવી દે છે. શબ્દો અને સંગીત બન્ને હૃદયની સોંસરવા નીકળી જાય એવાં છે!લાગણીની અભિવ્યક્તિ તો દરેક જણ કરી શકે, પણ મૃત્યુને આટલી સહજ રીતે અભિવ્યક્ત એક માત્ર રાવજી પટેલ જ કરી શકે.ગીત વાંચતી વખતે આંખમાં અશ્રુ ના આવે તો જાણે અશ્રૃ ગ્રંથિ સૂકાઈ ગઈ હશે એમ જાણવું.ફરી ફરીને વાંચવું અને સાંભળવું ગમે તેવું અમર ગીત. મોતને ભેટ્યા બાદ પણ કવિ શ્રી રાવજી પટેલ અમર જ છે.
ગુજરાતી સાહિત્યની આ અમર રચના
કવિશ્રી રાવજી પટેલના શબ્દો ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા''ભુપેન્દ્ર ના સ્વરનું વર્ણન થાય તેમ નથી.આ ગીત બહુ મીઠું લાગેછે, કારણ કે તે રાગ શિવરંજની માં ગવાયું છે.મૃત્યુ વિષયક આ ગુજરાતી ગીત સદાકાળ માટે અમર રહેશે. કવિ શ્રી રાવજી પટેલને શ્રધ્ધા સુમન અર્પણ કરું છું.
ભાવાર્થ અને પ્રસ્તુતિ: ડો ભૈરવસિંહ રાઓલ