#ફોટોઓફધડે
કલ્પના કરો કે સૂર્યની ખૂબ જ નજીક એક ગ્રહ છે અને તેના ઉપર આપણે રહીએ છીએ અને આ ગ્રહને એક કાયમી પૂંછડી છે!
અહીં વાત થઈ રહી છે બુધ(Mercury) ગ્રહની! બુધ ગ્રહ સૂર્યથી ખૂબજ નજીક છે, આપણા સૌરમંડળનો સૌપ્રથમ ગ્રહ બુધ છે! બુધ ગ્રહની સૂર્યથી દૂરી પૃથ્વીથી સૂર્યની દૂરી કરતાં અડધી છે, બુધ ગ્રહનું દળ પૃથ્વીની તુલનાએ ૫.૫% જેટલું જ છે! બુધ ગ્રહ ઉપર સૂર્ય માંથી નીકળતા સૌર તોફાનો તથા સૌર રેડિયેશનનો સતત મારો થતો રહે છે, ત્યાં વાતાવરણ તો છે પરંતુ તેને ટકાવી રાખવા માટે ગુરુત્વાકર્ષણ બળ ખૂબ જ ઓછું છે તેથી વાતાવરણ હોવા છતાં પણ વાતાવરણ નથી તેવું કહી શકાય! ત્યાં રહેવાની કલ્પના પણ કરી શકાય તેમ નથી!
હવે આપણે ધૂમકેતુ અને ઉલ્કાપિંડોની પૂંછડી જોઈ છે! આપણે જેને તૂટતો તારો અથવા ખરતો તારો કહીએ છીએ તે વાસ્તવમાં કોઈ તારો નથી હોતો પરંતુ તે ઉલ્કાપિંડો અને ધૂમકેતુ હોય છે! આવા પિંડો જ્યારે સૂર્યની નજીકથી પસાર થાય છે ત્યારે તેમાં રહેલો બરફ અને ગેસ ગરમ થઈ સતત અવકાશમાં ફેંકાય છે જેથી તેની પાછળ પૂંછડી જેવી રચના બને છે અને તેમાં જે ગેસનું પ્રમાણ વધુ હોય તે ગેસના રંગની પૂંછડી જોવા મળે છે!
પરંતુ કોઈ ગ્રહની આવી પૂંછડી જોવા મળે તો?!
વેલ, તાજેતરમાં જ બુધ ગ્રહની આવી પૂંછડી જોવા મળી છે. બુધ ગ્રહને પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે પરંતુ તે પણ ખૂબ જ નબળું છે જેથી સૂર્યમાંથી નીકળતાં રેડિયેશન અને સૌર તોફાનોનો આ મેગ્નેટિક ફિલ્ડ સામનો કરી શકતું નથી અને બુધ ગ્રહના વાતાવરણમાં રહેલ સોડિયમ, ઓક્સિજન, પોટેશિયમ, હાઈડ્રોજન અને હિલિયમ જેવા ગેસ આ સૌર તોફાનોને કારણે અવકાશમાં ફેંકાય છે જેથી પૂંછડી જેવી રચના બને છે અને સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને કારણે આ પૂંછડી ચમકે છે!
નીચેના ફોટોમાં દેખાતી પૂંછડીને 'Mercury's Sodium- Tail' નામ આપવામાં આવ્યું છે આ ફોટો સોડિયમ ફિલ્ટર ધરાવતાં લેન્સથી લેવામાં આવ્યો છે! આ પૂંછડીનો કલર ઓરેન્જ-યલો છે જે સોડિયમ ગેસ રહેલો હોવાનો પૂરાવો આપે છે!
-નીલકંઠ