આધુનિક યુગમાં આપણે હતાશા કે ડીપ્રેશન થી અજાણ નથી, પણ આપણે તેને સામાન્ય બાબત માનીને અવગણી દઈએ છીએ. હતાશા કે ડીપ્રેશન એ અવગણી દઈએ એવો વિષય નથી! હળવો સ્ટ્રેસ સારો છે,એ ક્યાંક ને ક્યાંક આપણા વ્યક્તિત્વમાં નિખાર લાવે છે પણ જ્યારે વધુ પડતો સ્ટ્રેસ આપણે જાણતા કે અજાણતા લઈએ છીએ ત્યારે એ હતાશામાં પરિણમે છે.
આટલી ટેકનોલોજી આપણી પાસે હાથવગી છે,તેમ છતાં આપણે ડીપ્રેશનને સહજતાથી સ્વીકારી નથી શકતા અથવા તો આપણને માનસિક સ્વાસ્થ્ય ને લઈને જાગૃતતા નહિવત છે.
એક સંશોધન મુજબ ડીપ્રેશનથી પીડાતા લોકો સરેરાશ ૩૦-૪૦ હોય તો એની સામે તેના તબીબ માત્ર ૦.૮% જ છે. જ્યારે આ દ્રશ્ય વિદેશમાં કંઈક અલગ છે.પણ આજે વિદેશની વાત ન કરીને, વાત કરવી છે આપણા દેશની. ડીપ્રેશન છે કે નહિ એ જાણવા માટે પહેલા આપણને તેના લક્ષણ વિશે ખબર હોવી જોઈએ અને આ લક્ષણો શારિરીક અને મનોશારીરિક પણ હોય શકે. તેમાંના અમુક લક્ષણો નીચે પ્રમાણે છે:
ડીપ્રેશનના લક્ષણો:
•મનનુ ઉદાસ રહેવું
•ઊંઘ ન આવવી કે વધારે આવવી
•અકારણ થાક લાગવો
•કારણ વિના લોકોથી ખુદને અળગા કરવા
•લઘુતાગ્રંથિની પીડા
•મરવાના વિચારો આવવા કે આત્મહત્યાના પ્રયાસ
•અન્ય
હવે વાત આવે છે કે આપણે ડીપ્રેશનના લક્ષણો શું કામ જાણવા જોઈએ?
તો એનો જવાબ છે કે આપણે ખુદને અને આપણા નજીકના લોકોને હતાશામાંથી બહાર લાવી શકીએ. જો આપણને કોઈ ચોક્કસ સમયથી હતાશા અનુભવાતી હોય તો એમાં કાઉન્સિલર પાસે જવું એમાં કશું જ ખોટું નથી એ વાત પહેલા આપણે સ્વીકારવી પડશે. હતાશ થવું અને પછી કાઉન્સિલર ની મદદ લેવી એ પાગલ હોવાની નિશાની નથી જ! બીજાને હતાશામાંથી બહાર લાવવા માટે આપણે તેના વર્તનનું નિરીક્ષણ કરવું જરૂરી છે. કોઈ દર વખતે ખુદને બધાથી અલગ રાખી રહ્યા છે તો એનું કારણ જાણવાની આપણે કોશિશ કરવી જોઈએ.
હતાશામાંથી પસાર થઈ રહેલી વ્યક્તિ ને આપણે એને એમ જ અલગ ન રહેવા દઈએ કારણ કે એ વખતે એ એટલું વિચારી જ નથી શકતા કે શું કરવું અને શું ન કરવું અને ક્યારેક આપણું અયોગ્ય વહેવાર કે વર્તન એને અઈચ્છનીય પગલાં લેવા પ્રેરે છે.
જે હતાશ છે અને આપણે તેને જાણી લઈએ છીએ તો પછી એ વ્યક્તિની સાથે રહેવુ ખૂબ જરૂરી બની જાય છે.