એક ખાનગી શાળાનાં શિક્ષક કે જેમનો હાલમાં પણ મળતા પગારની અમુક ટકા રકમ કાપી લેવામાં આવે છે.(કોરોના કાળને લીધે!!!) ઘરમાં પડતી આર્થિક મુશ્કેલી અને તેમાં સામે આવતો તહેવાર...
શિક્ષક છે ને !
પોતાના ઘરમાં બુભુક્ષુ પરિવારને સમજાવતી સંવેદનશીલ રચના.
###
પગારમાં કપાત
====================
તારા પછી તેનું બટકું ,
આવું જ દિવસ-રાત છે.
ખાઈલે બેટા છાસ ને ભૈડકું,
પગારમાં કપાત છે.
અજવાળાની શી જરૂર?
ભીતરમાં તો આગ છે !
તેમાં આશાઓનું ઘી પૂર,
ને, ધારી લે ઉજાશ છે.
તારા પછી તેનું બટકું ...
તહેવારો તો આવે-જાય,
તેમાં વહેવાર થોડાં ભૂલાય ?
એકબીજાની હૂંફ થકી જ ,
મીઠી લાગણીઓ જળવાય !
પછી,
મીઠાઈઓ તો મૃગજળ જેવી,
શાને સંતાપ કરે ?
ખાઈલે બેટા ગોળનું ગાંગડુ,
પગારમાં કપાત છે.
ને હા;
પેલી જૂની જોડ ચલાવી લેજે,
સીલાઇ ઉકેલી લંબાવી દેજે.
છતાંય મન જીદ્દે ચઢે તો,
ચોપડે ઉધાર લખાવી દેજે,
મૌન ધર;ના કોઈને કહેવું કે,
પગારમાં કપાત છે,
ખાઈલે બેટા છાસ ને ભૈડકું
પગારમાં કપાત છે.
તારા પછી તેનું બટકું ...
મોજશોખ હમણાં માંડી વાળ,
ધીરજ ઘર, રોકી લે ધાર.
કાલ સઘળું બદલાઈ જાશે,
વહી જાશે આ કપરો કાળ.
કંઈ ન હોય ભલે ગજવામાં,
વ્હાલા હૈયે પ્રેમ અપાર છે,
ખાઇલે બેટા છાસ ને ભૈડકું
પગારમાં કપાત છે.
તારા પછી તેનું બટકું,
આવું જ દિવસ-રાત છે.
ખાઈલે બેટા છાસ ને ભૈડકું,
પગારમાં કપાત છે.
###