નાનપણમાં તમે ગમે ત્યારે પોલીસ, ડોકટર, એન્જિનિયર, વકીલ કંઈપણ બની શકો. પણ જ્યારે મોટા થઈ જાવ ત્યારે? ત્યારે તમે જ નક્કી નથી કરી શકતા કે તમે શું બનવા ઈચ્છો છો અથવા કંઈ તરફ પોતાનું ભવિષ્ય ઉજળું હશે. મિત્ર એ દસમાં ધોરણ પછી સાયન્સ લીધું એટલે આપણે પણ લેવાનું, તેણે સાયન્સમાં બાયોલોજી લીધું તો આપણે પણ લઈ લીધું. હમણાં 12માં ધોરણનું રિઝલ્ટ આવ્યું એટલે એડમિશન માટે નાસભાગ ચાલુ થઈ ગઈ હશે. આ નાસભાગમાં ઘણી વખત માબાપ પણ આજ ભૂલ કરતા હોય છે. બીજાની દેખાદેખીમાં પોતાના સંતાનની પાસે તેની ક્ષમતા કરતા અપેક્ષાઓ વધારે રાખે છે. જેથી બાળક ડિપ્રેશનમાં આવી જતું હોય છે. આ ડિપ્રેશનનું પરિણામ ક્યારેક ખૂબ મોટું ચૂકવવું પડતું હોય છે.ક્યારેય આપણે આપણી ક્ષમતા ચકાસતા નથી. નાસમજમાં કરેલી આપણી આજ ભૂલ ભવિષ્યમાં પહાડ જેવી મોટી લાગે છે. ભવિષ્યમાં એવુ લાગશે કે મેં આના કરતાં આ ફિલ્ડ પસંદ કરી હોત તો વધારે સારું થાત. અત્યારે બેરોજગારીનું પ્રમાણવધી ગયું છે તેનું પાછળનું આ પણ એક કારણ હોઈ શકે છે. પસંદગીનો વિષય ના હોય એટલે તેમાં રુચિ પણ ના રહે અને છેલ્લે તેની અસર પોતાના રિઝલ્ટ પર પડે છે. રિઝલ્ટ પર ખરાબ આવે એટલે તેની સીધી અસર તમારી કારકિર્દી ઉપર આવે. કોઈ પણ ફિલ્ડમાં કુદતા પહેલા પોતાની કાર્યક્ષમતાને તપાસવી જરૂરી છે. જો તમે અત્યારે તમારા રસના વિષયમાં ધ્યાન આપશો તો તમને ક્યારેય મુશ્કેલી નહીં આવે. હવે સૌથી મોટો પ્રશ્ન એ થશે કે આપણો રસનો વિષય કયો? મોટાભાગના વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવે છે કે કઈ ફિલ્ડમાં જવાથી પોતાની કારકિર્દી સારી બને.
આ માટે તમારે તમારા ગમતા વિષય વિશે યોગ્ય વ્યક્તિ પાસે તેના અનુરૂપ માર્ગદર્શન લેવું જોઈએ. હવે પહેલા જેવું નથી રહ્યું કે આર્ટ્સ, કોમર્સ, કે સાયન્સમાં જ જવાય. હવે શિક્ષણક્ષેત્રે ઘણી વૃદ્ધિ થઈ છે પોતાના મનગમતા દરેક વિષય સાથે જુદા જુદા અભ્યાસક્રમમાં તમે નિપુણ થઈ શકો છો.