ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે. લોક સાહિત્યમાં મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે:
૧. ફરફર - જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટા- ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરા- છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરા- ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવા- પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધાર- છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહ- મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધાર- એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધાર- અનારાધારથી તીવ્ર વરસાદ
(મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગ- વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહ- ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલી- ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.