...અને
વિચારતી રહી હું
કેવી હશે એ ક્ષણ જ્યારે,
પહેલી વાર
નરી આંખે તને
જોઈશ હું ! પ્રત્યક્ષ !
પહેલી વાર
નરી આંખે તને
નીરખીશ હું.
શું હશે
તારી આંખોમાં, એ ક્ષણે?
એટલો જ ને એવો જ
સ્નેહ ? 
કે...!
અરે ! શું હું જોઈ શકીશ?
મારી નજર ઉઠાવીને
તારી આંખોમાં, એ ક્ષણે ?
શું હું સ્પર્શી શકીશ?
તારી હથેળીઓને, મારાં ટેરવે ?
કેટલું બધું કહી દઉં છું તને
રોજેરોજ, અમથું જ !
શું હું કંઈ 
બોલી શકીશ ? એ ક્ષણે !
માણ્યો છે તને મેં
નખશીખ, પ્રતિરાત
મારી કાયાનું આ
આવરણ, 
શું હું 
ઓઢાડી શકીશ તને ? 
એ ક્ષણે !
જે રોમાંચ
અનુભવાય છે 
વિચારીને માત્ર, એ 
અનુભૂતિ
થશે ? મને-તને
એ ક્ષણે !
કે પછી, સાવ 
સહજ, આવતી-જતી મામૂલી ક્ષણોની જેમ
વીતી જશે 
અણધારી મુલાકાતની એ
ક્ષણ પણ...!
#નિર્મોહી