ગઝલમાં ગોઠવી શબ્દોને, વાત કરવી છે,
પ્રસંગ પ્રણયનો છે, જખ્મોને વાત કરવી છે.
ઉદાસી તારા નયનની મને કરે વિહ્વળ,
સમજવા મર્મ એ, આંખોને વાત કરવી છે.
શું નામ મારું સમાવી તમે કશું ગાયું?
રિસાયા જે બધા, ગીતોને વાત કરવી છે.
છે જાદુ સ્મિતમાં બસ એટલું જ જાણો છો,
ભરી છે વેદના, બેસોને વાત કરવી છે.
પ્રયાસ કીધા નથી મેં કદી પ્રસિદ્ધિના,
કર્યું છે નામ, કે લોકોને વાત કરવી છે.
અંજના ભાવસાર 'અંજુ'