હૂંફ છે અન્ય? જીવવા માટે
બાળવું હૈયું તાપણા માટે
સાથ ઝાકળનો ફૂલો ઝંખે છે
તડકો ટાળે છે એટલા માટે
ભારે જહેમત ઉઠાવી હોઠોએ
દર્દ દિલનું દબાવવા માટે
એક સંબંધ એટલો વહાલો
શ્વાસ ગીરવે એ પામવા માટે
જોઈને આવકાર આંખોમાં
હાથ લંબાયો સ્પર્શવા માટે
દરિયો આંસુનો આપી દીધો તે
ટીપું માંગ્યું'તું ચાખવા માટે
આંગણે રાતરાણી મહેકે છે
સાથ એનો છે જાગવા માટે
અંજના ભાવસાર 'અંજુ