ના જડું બીજે કશે, હું ખુદને જ્યારે ખોઉં છું
ગીત, ગઝલોની ગલીઓમાં રખડતી હોઉં છું
નહોર સ્મરણોના અડી જાતા હૃદયને જે ઘડી
એ ઘડી ભૂલી ગયાની ભ્રમણા પર હું રોઉં છું
એથી ઉત્તમ તો બીજું શું આંખ પાસે કામ લઉં!?
હું મિલનની કલ્પનાના દૃશ્યો એમાં પ્રોઉં છું
હા, ભલેને ભૂલથી, એ સહેજ એને સ્પર્શ્યો 'તો
એ દિવસથી ઓઢણીને ક્યાં કદી પણ ધોઉં છું!
નામ તારું એ પછીથી હું પ્રભાતે લઉં છું શ્યામ
હું હથેળીમાં પ્રથમ મનગમતો ચહેરો જોઉં છું
અંજના ભાવસાર 'અંજુ'