*મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે*
કેસેરોલમાં રહેલી છેલ્લી રોટલી આપણને આપીને, ‘મને તો જરાય ભૂખ જ નથી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
રોજ સવારે મંદિરમાં પ્રાર્થના કરતી વખતે, ‘મારે કશું જ જોઈતું નથી’ એવું જ્યારે ઈશ્વરને કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
આપણી જેમ આપણી નિષ્ફતાઓને વ્હાલ કરીને, આપણી ઉદાસી ઉપર હાથ ફેરવીને ‘બધું સારું થઈ જશે’ એવું કહેતી હોય છે ત્યારે આપણી ઉદાસીને *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
પોતાની આંખોમાં ડાયપર સંતાડી, મમ્મી જ્યારે કોરું કટ્ટ રડતી હોય છે ત્યારે ચહેરા ઉપર ‘મેડ ઇન ચાઈના’ વાળું સ્માઈલ લગાડીને આપણી આંખોને *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે*.
આપણી સાથે આખી રાત જાગીને ‘મને તો ઊંઘ જ નથી આવતી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે ઉજાગરાને *મમ્મી એપ્રિલ ફૂલ કહેતી હોય છે*
છાતીમાં દુખતું હોય કે ઘૂંટણનો દુઃખાવો હોય, માથું દુખે કે તાવ આવતો હોય, મમ્મી વાત વાતમાં એપ્રિલ ફૂલ બનાવે. બીમારીએ પોતાના શરીરમાં નિમંત્રણ કાર્ડ છપાવીને ઉદઘાટન કરેલું હોય તેમ છતાં મમ્મીને તો એ વાતની જાણ ક્યારેય હોતી જ નથી. પોતાના મજબૂત મનોબળની દીવાલ પર પોતાની બધી જ બીમારીઓને પ્રદર્શન માટે ટીંગાડીને ‘મને તો સાવ સારું છે’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
દરેક વખતે પૂછાયેલા ‘કેમ છો?’ ના જવાબમાં એકપણ સેકન્ડનો ‘pause’ આપ્યા વગર ‘મજામાં છું’ કહેતી હોય છે ત્યારે *મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે.*
_*ડૉ. નિમિત ઓઝા*_