*કવિતા*
એક કવિતા જીવે છે.
શ્વસતી રહે છે, નિરંતર શ્વાસ બનીને!
ધબકે છે, લયબદ્ધ ધબકાર બનીને.!
લાગણીનાં છંદમાં ઢળે છે,
સ્વપ્નની સૃષ્ટિમાં ફરે છે.
હરખનાં હાઈકુ બનીને ક્યારેક આંખથી વહે છે!
પ્રેમરસમાં તરબોળ થઈ,
કલમને ભીંજવે છે.
કાન્હાજીને યાદ કરી ગરબીમાં પરિણમે છે
તો શ્રી ની આરાધનામાં સૂક્તમ બની અવતરે છે.
ક્યારેક નિખરી આવે છે,
ગુંજતા ઓરતાંની ગઝલ અથવા તો સંવેદનાનું સૉનેટ બનીને..
બંધિયાર પડેલી ભાવનાની મુક્તિનું મુક્તક,
લાગણીઓનું લણણી કરતું અછાંદસ,
મૃગજળી એષણાનું કાવ્ય…
કેટકેટલાં રૂપો ધરે છે!
એટલે જ…
કવિતા જીવે છે!
મારામાં, તમારામાં, આપણા સૌમાં
એક કવિતા જીવે છે!
કવિતા દિવસની શુભકામનાઓ🎉🎉🌹🌹
કુંતલ ભટ્ટ "કુલ"
સુરત.