નજર નાખ તારી આસપાસ મોહ !
કોઈ દીવાલની તિરાડમાંથી
કે જૂના ગાભાના ઢગલામાંથી
કીડીઓનાં દરમાંથી
કે કરોળિયાના ક્યાંક ક્યાંક બાઝેલા
જાળામાંથી
તુૃં સૂતો હોઈશ એ પલંગની કિનારે
બાઝેલી હશે એ ધૂળમાંથી
પીડામાં કણસતી
ન નીકળી શકતી તારી મૂક
ચીસમાંથી
ક્યાંય નહીં તો
પડખું ફરતાં જ અનુભવાય
એવી સૂકાઈ ગયેલી
એકાદ
પ્રસ્વેદબૂંદમાંથી
હે નિર્મોહી !
હું જોઈ રહી છું તને
પ્રાર્થી રહી છું તને
વિનવી રહી છું તને
આપી દે ને તારી એકલતા મને
ને લઈ જા
તારા અનુભવથી સમૃદ્ધ
મારું સ્નેહજગત...
લઈ જા !
--નિર્મોહી