ગઝલ : --- બેય હથેળી કોરી દેજે ! .....
કવિ : --- કિશોર જિકાદરા
આંગણિએ તું તુલસી કેવળ રોપી દેજે ,
બાકીનું તું શામળિયા પર છોડી દેજે .
કહેવાનું કે પ્રેમ અમારો બિનશરતી છે ,
શરતો તારી હોય કશી તો બોલી દેજે .
તારા માથે બોજ વધારે ના રાખીશ તું ,
પાતક બેશક મારા શિર પર ઢોળી દેજે .
સુખની નીંદર નહિ લેવા દે ભેગી થૈને ,
ઈચ્છાથી તો તોબા બાપા ! ઓછી દેજે .
ઠેકો તેં લીધો છે સૌના સુખદુઃખનો તો -
ખોવાયેલી ખુશ્બૂ મારી ખોળી દેજે .
બીજું તો કૈં નૈ , ગમ્મે ત્યારે આવી જઉં તો ,
ખાસ કેસમાં મંગલમંદિર ખોલી દેજે .
રેખા જાતે દોરી લૈશું પુનર્જનમમાં ,
ઓ ઈશ્વર ! તું બેય હથેળી કોરી દેજે !
કિશોર જિકાદરા