આવ આજે બેસ સાથે વાત કરશું બે ઘડી,
ને બને તે આંખમાં ઊંડાં ઉતરશું બે ઘડી...
રોજ રાતે બહુ પરાણે રાતને આલિંગવું,
છોડ, આજે રાતને આરામ ધરશું બે ઘડી...
સાંજ સાથે મોકલું છું સ્નેહનું પરબીડિયું,
આગિયાની પાંખ પરથી ફાળ ભરશું બે ઘડી...
વેંત છેટું આભ છે ને બારણે ખીલા નથી,
વાદળાંને પણ નિમંત્રણ, ચાલ ઠરશું બે ઘડી...
આવવાને વાર હો તો પણ કશો વાંધો નથી,
વાટમાં થઈ રાખફૂલડું, પ્રેમ કરશું બે ઘડી...
--નિર્મોહી