સાગર આગળ અને પોલીસ પાછળ. અંતે પોલીસે પોતાની ગાડી સાગરની ગાડીની આગળ કરી સાગરને રોકી ને મેમો પકડાવી દીધો. સાગરે પણ કંઇજ આનાકાની કર્યા વગર મેમો સ્વીકારી પણ લીધો. લોકડાઉનમાં કારણ વગર ફરવા જો નીકળ્યો હતો અને કોરોનાના કપરા કાળમાં પણ પોતાની ફરજ પૂરી પ્રામાણિકતાથી બજાવવા બદલ પોલીસ ઈન્સપેક્ટરનો આભાર માન્યો અને ખબર અંતર પણ પૂછ્યા અને પોતાના ઘર તરફ ગાડી દોડાવી. ઘરે જઈને હજી તો માંડ હાથ પગ ધોયા ત્યાં તો ઘરનું બારણું ખખડ્યું. જોયું તો પોલીસ ઈન્સપેક્ટ૨. કોણ જાણે કેમ પણ ઈન્સપેક્ટરે મેમો પાછો લઈ લીધો. આ વાત કોરોનાના પહેલા લોકડાઉન ની છે. અત્યારેતો આ વાતને વર્ષ થઈ ગયું છે. સાગર અને પોલીસ ઈન્સપેક્ટર સારા મિત્રો છે. બંને ભેગા થઈ ફાજલ સમયમાં લોકડાઉનને કારણે આર્થિક સંકડામણ ભોગવતા લોકોને આંશિક મદદ કરે છે. એક વર્ષ પછી પણ સાગરના મનમાં એક પ્રશ્ન ધૂંટાયા કરે છે. ઇન્સપેક્ટરે મેમો પાછો કેમ લીધો ? તો એનો જવાબ પણ પોલીસ પાસે હાજર જ છે. પોલીસને જોવાનો દ્રષ્ટ્રિકોણ બદલીને સાગરે પોલીસના સમાચાર જો પૂછ્યા હતા.