0 ભરત ભટ્ટ 0
------------
ઘણી માન્યતાનો જનમ થઈ ગયો!
પછી એક્ ખુદાનો જનમ થઈ ગયો!
જે વખતે વ્યથાનો જનમ થઈ ગયો !
એ પહેલાં દુવાનો જનમ થઈ ગયો !
નીચી પાંપણે તેં વિખેરી લટો
ને ઘેઘૂર ઘટાનો જનમ થઈ ગયો
અનિમેષ નેત્રે નિહાળી તને
અને કલ્પનાનો જનમ થઈ ગયો!
ફરી કોઈ ઈચ્છા કુંવારી રહી
ફરી , આપદાનો જનમ થઈ ગયો
જનમ પામતાંવેંત જીવન મળ્યું
ને , મૃત્યુ થવાનો જનમ થઈ ગયો !
કોઈ મૃત્યુ માટે ન ઈર્ષા કરે
એ માટે બધાંનો જનમ થઈ ગયો !
ન શબ્દો રહ્યાં તો રહ્યો નહીં અરથ
તરત પ્રાર્થનાનો જનમ થઈ ગયો !