ગઝલ
અંદર હતી ઉદાસી, ને ઘટના નિમિત્ત થઈ
દર્દો બહાર લાવવા દુનિયા નિમિત્ત થઈ
સહેલાઈથી ન થાત પ્રગટ ઘેલછા ઘણી..
વય સોળની હતી અને કન્યા નિમિત્ત થઈ
જીવવું હતુ કઠોર, ઉપરથી પ્રલંબ પણ!
વીતી ગયું કે એક પ્રતીક્ષા નિમિત્ત થઈ
દુનિયા તો માંગતી હતી હૈયું ભર્યું ભર્યું
આવી પડી જો સામટી પીડા, નિમિત્ત થઈ
આ ભવના રણમાં અમને હતી ભાવની તલાશ
ભાવક મળ્યા, ને એમાં કવિતા નિમિત્ત થઈ
તો શું થયું, ઉજાસ જો જગમાં ન વિસ્તર્યો!
ખુદનું તિમિર સમજવા પ્રતિભા નિમિત્ત થઈ
ભગવાન અંતે ભીતરે શોધી લીધા અમે,
આ ધર્મસ્થળની મૂંગી પ્રતિમા નિમિત્ત થઈ
એકાંતમાં જ મોક્ષ હતો આપણો રઈશ..
દુનિયા એ જે કરી તે ઉપેક્ષા નિમિત્ત થઈ
ડૉ. શ્રી રઈશ મનીઆર