1999નાં નવેમ્બરમાં યુનેસ્કો દ્વારા દર વર્ષે 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું. એનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન તેમજ પ્રોત્સાહન આપવાનો છે. વાંચવા, લખવા કે બોલવામાં વપરાતી હોય એવી 7000 થી વધુ ભાષાઓ યુનેસ્કોએ આખા વિશ્વમાંથી શોધી કાઢી છે.
આની પાછળનો ઈતિહાસ એવો છે કે 1948માં પાકિસ્તાનનાં વડા પ્રધાન મોહંમદ અલી ઝીણાએ જાહેરાત કરી હતી કે હવેથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દુ રહેશે, જેનો પશ્ચિમ પાકિસ્તાનમાં સ્વીકાર થયો, પરંતુ પૂર્વ પાકિસ્તાનમાં વિરોધ થયો. પૂર્વ પાકિસ્તાનની ભાષા બંગાળી હતી. ત્યાંના લોકો કોઈ પણ ભોગે પોતાની માતૃભાષા છોડવા તૈયાર ન હતાં. આથી તેમણે ઉર્દૂનો મોટા પાયે વિરોધ કર્યો અને 21 ફેબ્રુઆરી 1952નાં રોજ ઢાકા યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને પોતાની માતૃભાષા બંગાળીને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ કરી. ખૂબ મોટા પાયે નીકળેલી રેલીમાં હજારો લોકો જોડાયા હતા. પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો હતો, જેમાં હજારો લોકો ઘવાયા હતાં અને ચાર વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા, પણ પોતાની માતૃભાષા પ્રત્યેની મમતા ન છોડી.
આ શહીદ થયેલા લોકો અને વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ 21 ફેબ્રુઆરીનો દિવસ માતૃભાષા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
ફાધર વાલેસ હંમેશા કહેતાં કે, 'જેની ભાષા ગઈ એની સંસ્કૃતિ ગઈ.' આ વાક્યને યથાર્થ કરે છે ઈઝરાયેલ દેશ. ઈઝરાયેલને આઝાદી મળ્યા પછી એ દેશમાં એક પણ પુસ્તક ત્યાંની માતૃભાષામાં ન હોવાથી 7 વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ કર્યું ન હતું. ત્યાંના વિદ્વાનોએ દિવસનાં સતત વીસ વીસ કલાક કામ કરીને અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં રૂપાંતર કર્યું અને 7 વર્ષ પછી શાળાઓ શરુ કરી.
દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ છે, "શિક્ષણ અને સમાજમાં સમાવેશ માટે બહુભાષિતાને પ્રોત્સાહન આપવું."
સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ.