મારી મા બોલે એ મારી માતૃભાષા.
મમ્મી ગુજરાતી બોલે છે.
મા જેટલો જ સ્નેહ સરિતાતાઈએ કર્યો. એ મરાઠી બોલતાં.
કદીક પેટની ભૂખ તો અમ્માએ પણ ભાંગી'તી, માની જેમ જ. એ હિન્દીમાં વહાલ વરસાવતાં.
મા વહાલ કરે તો ક્રોધેય કરે. ઍની આંટી અંગ્રેજી શીખવતાં ત્યારે લાડ સાથે ક્યારેક મીઠો ઠપકોય મળતો. ને પછી કુકીઝ પણ. ઍની આંટી અંગ્રેજી બોલતાં.
કેટલી માતાઓનાં ધાવણથી આ પિંડ બંધાયો છે એ તો મોટાબાપા જ જાણે, જેઓ ધાવણી ભત્રીજીને લઈ અઠવાડિયાઓ સુધી ભ્રમણ કરતા ને જેમના ઘેર ઊતરતા એ ઘરની માડીને મને સોંપી દેતા.
સમજાય કે ન સમજાય, ભાષાઓ બધી જ વહાલી છે મને.
એ સૌ સન્નારીઓથી મળેલા સ્નેહ જેવી માતૃભાષાને ભાવભર્યા વંદન.🌺
સૌને પોતપોતાની માતૃભાષાનો ગર્વ રહે એવી શુભકામના.🌺