લે હાથે કરતાલ ફકીરા
સંતો સાથે ચાલ ફકીરા
એની મેડીએ બેસીને
થૈ જા માલંમાલ ફકીરા
હુંયે માણસ તું યે માણસ
સૌનું લોહી લાલ ફકીરા
બંને ખાલી હાથે જઈશું
અંતે તો કંગાલ ફકીરા
ડર ને ચિંતા ફેંક નદીમાં
માલિક મોટી ઢાલ ફકીરા
સરકી જાશે એક જ પળમાં
દુનિયાને ના ઝાલ ફકીરા
દોલત તો દાસી છે તારી
ખિસ્સામાં ના ઘાલ ફકીરા
સંન્યાસીનું તો એવું કે
સૂર અહીં ત્યાં તાલ ફકીરા
રસ્તા તો આડા ને અવળા,
જૂની વાટે ચાલ ફકીરા.
-અ'વ્યક્ત..