આજે શહેરમાં એક સભા આયોજન રાખવામાં આવ્યું હતું. દેશનાં વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ આયોજન દર વર્ષે કરવામાં આવતું. આયોજનનાં અંતે બાળકોને આયોજકો દ્વારા રમત ગમતના સાધનો,પુસ્તકો, શર્ટ, પેન્ટ, ટી-શર્ટ આપવામાં આવતા.આ વર્ષે પ઼ણ આ આયોજન કરવામાં આવ્યુ. સભામાં નેતાઓ, ઉદ્યોગપતિ, અધીકારીઓ, નાના થી લઈને મોટા સૌ કોઈ લોકો હાજર હતા.
આ આયોજન કરવા પાછળનો હેતું એ હતો કે કેવી રીતે આપણે આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ. તે અંતર્ગત આ કાર્યક્રમનું નામ પણ "દેશનું ઉજ્જવળ ભવિષ્ય" રાખવામાં આવ્યું હતું.
આયોજન ચાલું થયું. ઘણા નેતાઓ એ, મોટા મોટા અધીકારીઓ એ અને ઉદ્યોગપતિઓ એ પોતાના સુચન રજુ કર્યા કે કઈ રીતે આપણે આવનારી પેઢીને શિક્ષણ ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે, ઉદ્યોગ ધંધામાં નિપુણ બનાવી શકીએ, ને દેશનાં ભવિષ્યને સુંદર બનાવી શકીએ.
છેવટે આયોજન પૂર્ણ થયુ, મહેમાનો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ને ચા પાણી આપવામાં આવ્યા.
સભા ખંડની બહાર રસ્તા પર આવેલી ચાંની દુકાનમાં કામ કરતો બાળક ચા આપતો હતો. બાળક દસેક વર્ષનો હશે, તેણે પહેરેલા મેલા ટી શર્ટ પાછળ લખેલું હતું "દેશનું ઉજ્જવળ ભવિષ્ય" !!!