ભારતમાતાની વિવિધતા
*****
ભવ્ય મા ભારતીને હું સપૂત ગર્વથી પુજું
વિશ્વે અવ્વલ લોકતંત્ર સમુદ્રનું હું છું મુક્ત મોજું.
એક છાબમાં જેમ દ્રાક્ષ, સફરજન, કેળાં સાથે કેરી
વિવિધ વેશ, ભાષા, રિવાજે સહુ પાડે ભાત અનેરી.
ભાતીગળ આબોહવા અહીં, લેહમાં બરફ છાયો
કચ્છથી બંગાળ ત્રણ બાજુ ઘૂઘવતો સાગર લહેરાયો.
કાશ્મીરે લાલ સફરજન ને ગોવામાં થાય કાજુ
કચ્છે ખાઓ ખારેક, દક્ષીણે નારિયેળ પીવો તાજું.
આંદામાન દરિયા વચ્ચે જાણે વાછડું ગાયને ધાવે
ઉત્તર પૂર્વે આસામ મેઘાલય પહાડ જંગલો બતાવે.
કચ્છનું રણ સફેદ ચાદર તો રાજસ્થાને પીળું
પંજાબ ખેતર ઘઉંનું તો કેરાલા આખું લીલું.
ગંગા, યમુનાનો વિપુલ જલરાશી લહેરાવે નીલો સાળુ,
વહે નર્મદા મધ્ય સોંસરી વીંધી ઘોર જંગલ હરિયાળું
વાઘ વસે મધ્ય પ્રદેશે સોરઠે સાવજ ડણક દેતા
કર્ણાટક કેરાલે મદમાતા હાથી, આસામે ગેંડા રહેતા.
બંગાળી મીઠું બોલતા ને જોશે આગળ થાતા
ગરવા ગુજરાતી સાહસે બને વિશ્વ માંધાતા.
બની આ ભાત રંગબેરંગી દેશની, હું એમાં એક મોતી
પામી વિસ્મય દુનિયા આ મહાન દેશને જોતી.
***