સૌની સાથે લગાવ રાખું છું,
ચાહવાનો સ્વભાવ રાખું છું.
હું ગગનમાં પ્રસારું છું પાંખો,
પણ, ધરા પર પડાવ રાખું છું.
હાર સ્વીકારતા શીખી લીધું,
મન ઉપર ક્યાં દબાવ રાખું છું.
યશ મળે કે મળે મને અપયશ,
એક સરખો પ્રભાવ રાખું છું.
દિલ ઉપર બીજું કાંઈ શોભે ના,
હું જખમનો ઉઠાવ રાખું છું.
મૂળ માફક વધુ છું ભીતરમાં,
માટી સાથે નિભાવ રાખું છું.
ઉપરથી ભલે રહ્યો ખારો સાગર.
ભીતરે તો મીઠી વાવ રાખું છું.