માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ..
આજના આધુનિક યુગમાં ભણતરને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. દેશ પ્રગતિના પંથે છે. સમાજની વ્યાખ્યા બદલાઇ રહી છે. દરેક માણસ ગમે એમ કરી પોતાના સંતાનોને ભણાવવા ખાતર કાળી મજૂરી કરતો દેખાય છે. પેટે પાટા બાંધીને પણ પરદેશ ભણવા મોકલે છે. દેવું કરીને પણ પોતાના સંતાનોને સુખ સગવડથી ભરપુર જીવન આપે છે. પોતાનું સ્ટેટસ સાચવવા દેશની મોંઘામાં મોંઘી કોલેજોમાં લાખો રૂપિયા ડોનેશન આપી ભણવા મોકલે છે આ બધું જ બરાબર. માતા પિતા તરીકેની એમની અનેકો ફરજોમાની આ ફરજ બજાવવામાં બીજી બધી જ ફરજો મા-બાપ ભૂલી જાય છે. એમને ભણતર સિવાય જીવન જીવવામાં ડગલે ને પગલે કામ લાગતાં સંસ્કારો આપવાનું છૂટી જાય, ચૂકી જાય છે. નાનપણથી જ પોતાનાથી દૂર કરી ભણવા માટે હોસ્ટેલમાં મુકે છે. અથવા તો ઘરે કેરટેકરના ભરોસે મૂકીને બહાર જતાં હોય છે. આજના આધુનિક યુગમાં માતા-પિતાના વ્યસ્ત જીવનમાં પોતાના બાળકો સાથે સમય વિતાવવાનો પણ સમય નથી. ત્યારથી જ બાળક પોતાને એકલું અનુભવતું થઈ જાય છે. એમને પણ હૂંફ અને પ્રેમની જરૂર હોય છે જે મળતી નથી. તેથી જ કદાચ એ આપી પણ નથી જ શકતાં. અને ત્યારથી જ બાળકો આપણાંથી એટલા દૂર થઈ જાય છે કે અંત સમયે કે પછી અગ્નિદાહ માટે પણ એકનો એક પુત્ર દેશમાં જ હોવા છતાં નથી આવી શકતો. આવી કરુણ ઘટનાઓ સતત આપણી આસપાસ સંભળાતી રહે છે. ભણતરની સાથે સાથે એ લોકો એકલાપણું, ચીડિયાપણું, સતત બીજાને નીચે ઉતારી પાડવાની વૃત્તિ, અભિમાન, પ્રસિદ્ધિ પાછળની આંધળી દોટ, ધીરજનો અભાવ, અશાંતિ, યંત્ર સાથે કામ કરી કરીને યંત્રવત્ત જીવન જીવતાં થઈ ગયા છે. એવું નથી કે એ લોકો પાસે લાગણી નથી. પણ એ દર્શાવવાનો હવે એમની પાસે સમય નથી. પોતાના પરિવાર માટે પણ નહીં. આજે આપણા દેશમાં ઘરડાં ઘરોની સંખ્યા ક્યાં ઓછી છે!? હા, એ ઘરડાઘરોમાં જગ્યા ઓછી પડવા લાગી છે. આજના હાઈપ્રોફાઈલ જીવન જીવવાની ઘેલછા રાખતાં દરેક માણસે વૃદ્ધાશ્રમમાં કે સિનિયર સિટીઝન ગ્રુપની મીટિંગમાં એકાદવાર હાજરી આપવી જોઈએ. એમનો બધો જ ઠાઠ અહીં જ ઉતરી જશે. જ્યારે મા-બાપ પોતાની ઠાઠડીની તૈયારી કરવા માટે બીજાનો સહારો લેતા જોવા મળે છે. પોતાના સંતાનો હોવા છતાં આવા કરૂણ દ્રશ્યો જોવા મળે એ પ્રગતિશીલ સમાજનું કરુણ પાસું છે. એમને જીવનનો સાચો રસ્તો બતાવવાની જરૂરત છે. સંતાનોને સંસ્કાર આપવાની રીતમાં ક્યાંક ને ક્યાંક આપણી તૃટી રહી તો છે જ. આજની પેઢી પ્રેક્ટિકલ છે એને જે દેખાય છે એ કરે છે એને સાચો રસ્તો બતાવવાની જરૂર છે. આપણે જ આપણાં વડીલોને માન- સન્માન, પ્રેમથી રાખતાં હોઈશું તો આપણા સંતાનો પણ ચોક્કસ જ એવું અનુકરણ કરશે. કારણ આપણા સંતાનો હંમેશા આપણું જ અનુકરણ કરતાં હોય છે એ કાયમ યાદ રાખવું. મારા મતે સમાજનાં, ઘરનાં બંધારણના પાયા માટે વડીલો જ જવાબદાર હોય છે. તેથી જ પહેલાં આપણે આપણ પાસું સુધારીએ. આજનાબાળકો, આજની પેઢી ખૂબ જ હોંશિયાર અને ચપળ છે. આપણે બદલાવવાની જરૂર છે સમાજ આપોઆપ બદલાઈ જશે.
આંખમાં એકાદ સપનું આજ સધ્ધર વાવીએ,
કાલને અજવાળવી છે, કૈંક નક્કર વાવીએ.
એમ ઘરડાંઘર તણો વિસ્તાર પણ અટકી શકે!
બસ, ઉછરતી પેઢીઓમાં ક્યાંક આદર વાવીએ.
પાક લણવો છે હવે કરુણા તણો, સમજણ તણો,
માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ.
ક્યાં વધારે પામવાની કોઈ ઈચ્છા રાખીએ?
એકમાંથી બસ અઢી થઈ જાય, અક્ષર વાવીએ.
(:હિમલ પંડ્યા)
-કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"