ગઝલ : --- કામ અમારું જોશો તો થૈ જાશો રાજી .....
કવિ : --- કિશોર જિકાદરા
કામ અમારું જોશો તો થૈ જાશો રાજી ,
ગમ્મે તેવી લઇ આવો બગડેલી બાજી .
માનું છું કે ન્યાય પડે છે મોંઘો આજે ,
ન્હોતા પડતા ત્યારે પણ કૈં સસ્તા કાજી !
ઊભી થૈ છે મહિનાના મંદવાડ પછી એ ,
લાગે છેને તો ય પૂનમ આ તાજી - માજી ?
યમને સુદ્ધાં કહી દીધું કે નહીં આવું જા !
કોને કોને કરવું મારે હા જી હા જી ?
ઘૂસી જાશે ઘરની અંદર તડમાંથી પણ ,
લાગ્યો છે એ પવન મને પ્હેલેથી પાજી !
બે દીથી એ ઝાઝું ખેંચે , શક્ય જ ન્હોતું ,
રહેતી' તી ફૂલોની તબિયત માંદી -સાજી .
દુશ્મનને પણ સાથે રાખી ચાલ્યો છું તો -
દોસ્ત , મને ખટકે ના તારી આ નારાજી ?
કિશોર જિકાદરા