મૂકો સ્વપ્નની વળગણીએ મને
બધી રાતની ખટઘડીએ મને !
હું હોડી વગરનું હલેસું જ છું
ડૂબાવી દીધો છે નદીએ મને!
હું અટકળની ચકલીનો માળો નથી
ઉતાર્યો ભીંતેથી છબીએ મને!
તકાયા કર્યો તર્કના તીરથી
ને વીંધ્યો કદી માછલીએ મને !
મને છૂટ આપી છે સખ્તાઈએ
ને, રોક્યો છે પરવાનગીએ મને !
હું યે અર્થ માફક છું ભૂલો પડ્યો;
લૂંટ્યો શબ્દની સાંઢણીએ મને!
પહોંચાડ્યો કેવળ તમારા સુધી
મૂળાક્ષર પે બારાખડીએ મને !
---------- ભરત ભટ્ટ ---------------