સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.
.... ..... ..... ..... ....... ....... ..... ...... ....
લખ્યા છે લેખ, એની આબરુનો ખ્યાલ રોકે છે
નહીંતર ફેંસલો હમણાં કરી નાખું મુકદ્દરથી.
.... .... ..... ..... ... ..... .... .... .... ... ..... ....
એક ભૂલને છુપાવવા કીધી હજાર ભૂલો
કિન્તુ નજીવી ભૂલ સુધારી શક્યો નહીં.
...... ..... .... ...... ..... ..... ..... ..... .....
હું મારે હાથથી નૌકા ડુબાડી દેત મઝધારે
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.
...... ...... ..... ...... ...... ...... ..... .... ........
સજા મંજૂર છે અમને અમારા પાપની કિન્તુ
અમારે કાજ આખા વિશ્વને ખંડેર કરશો મા
........ ....... ....... ...... .... ...... ....... ....... ..
તરતાને ડૂબવાનો ભય હોય છે હમેંશા
ડૂબેલ માનવી તો સાગર તરી જવાના.
.... ...... ...... ...... ..... .... .... ..... .... .... ..
છે ગર્વ કેટલો જુઓ નિજ રૂપ કેરો એમને
ચરણે ધર્યું ગુલાબ તો કીધું કે આમાં રંગ ક્યાં?
..... ....... ...... ..... .... (નાઝિર દેખૈયા)
.