નગર નક્શા દ્વિધાઓમાં દિશાઓ ગૂમ ક્યાં થઈ ગઈ
ઉખાણાં છે હવાઓમાં દિશાઓ ગૂમ ક્યાં થઈ ગઈ
ગણિતો ગૂંચવણ ગૂંથે ન તાળામેળ મીંડાળું
નિશાળો સૌ નશાઓમાં દિશાઓ ગૂમ ક્યાં થઈ ગઈ
ન કોઈ રોગ ના વૈરાગ્ય ઉતરી કાંચળી હતપ્રભ
દવાઓ કે દુવાઓમાં! દિશાઓ ગૂમ ક્યાં થઈ ગઈ
આકારે વિવશ ઘનપટ રઝળપાટે ઉષા સંધ્યા
અવકાશી તરાહોમાં દિશાઓ ગૂમ ક્યાં થઈ ગઈ
અહર્નિશ શબ્દ અફડાતો ધ્વનિ અર્થોની ગર્તામાં
સંભ્રામક ક્ષિતિજોમાં દિશાઓ ગૂમ ક્યાં થઈ ગઈ
............................................................
-- ભગવતીપ્રસાદ પંડયા