એક પછી એક ઘાવ ખમતું જાય છે
ને હૃદય મજબૂત બનતું જાય છે
ટેરવાં આઘા રહો, ઉડવા દો લટ
કોઈ મીઠું ગીત લખતું જાય છે
આંખમાં આંજે તું કાજળ જે ક્ષણે
તેજ સૂરજનુંય ઘટતું જાય છે
છે ભલે મીઠાશ પણ ચડશે નશો
સાદગીમાં સ્મિત ભળતું જાય છે
સ્પર્શ, સંવેદન, સ્મરણ - ગમતા વિષય
મન નિરંતર પાઠ ભણતું જાય છે
ગણગણે આખું નગર તારી ગઝલ
કોણ શબ્દો થઈ ઉતરતું જાય છે?