એકાંત લઈ ફરે છે આશ્રયની વાત છોડો,
આકાશ પાંખમાં છે સંશયની વાત છોડો.
શત્રુ નથી જ કોઈ ના મિત્ર કોઈપણ છે,
સંબંધ છે પરસ્પર જયજયની વાત છોડો.
વનવાસ, રાજગાદી બેઉં સમાન તો પણ
છે મંથરા સલામત કૈકયની વાત છોડો.
વહેવું સ્વભાવ છે તો નિર્મળ છે આપમેળે
જળ જેવું આયખું છે સંચયની વાત છોડો.
સૌંદર્ય, ગંધ રૂપે બસ ફૂલને છે હોવું
બીજા કશાય એનાં આશયની વાત છોડો.
-------ગુણવંત ઉપાધ્યાય
03012021