*ગોવિન્દો પ્રાણ અમારો રે*
ગોવિંદો પ્રાણ અમારો રે
મને જગ લાગ્યો ખારો રે
મને મારો રામજી ભાવે રે
બીજો મારી નજરે ન આવે રે
મીરાંબાઈના મહેલમાં રે
હરિસંતનનો વાસ
કપટીથી હરિ દૂર વસે
મારા સંતન કેરી પાસ
રાણોજી કાગળ મોકલે રે
દેજો મીરાંને હાથ
સાધુની સંગત છોડી દ્યો તમે
વસોને અમારે સાથ
મીરાંબાઈ કાગળ મોકલે રે
દેજો રાણાજીને હાથ
રાજપાટ તમે છોડી રાણાજી
વસો રે સાધુની સાથ
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે
દેજો મીરાંને હાથ
અમૃત જાણી મીરાં પી ગયાં
જેને સહાય શ્રી વિશ્વનો નાથ
સાંઢવાળા સાંઢ શણગારજે રે
જાવું સો સો રે કોશ
રાણાજીના દેશમાં મારે
જળ રે પીવાનો દોષ
ડાબો મેલ્યો મેવાડ રે
મીરાં ગઈ પશ્ચિમમાંય
સરવ છોડીને મીરાં નીસર્યાં
જેનું માયામાં મનડું ન કાંય
સાસુ અમારી સુષુમણા રે
સસરો પ્રેમ-સંતોષ
જેઠ જગજીવન જગતમાં
મારો નાવલિયો નિર્દોષ
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે
રંગબેરંગી હોય
ઓઢું હું કાળો કામળો
દુજો ડાઘ ન લાગે કોય
મીરાં હરિની લાડણી રે
રહેતી સંત-હજૂર
સાધુ સંગાતે સ્નેહ ઘણો
પેલા કપટીથી દિલ દૂર
-મીરાંબાઈ
🌻🌻🌻🌻🌻🌻
સતગુરુ ચરણમાં વંદન
👏👏🧎🏻🧎🏻👏👏