વિદાય
કેટકેટલી યાદો હસુદાદા(હસુ યાજ્ઞિક) સાથે જોડાયેલી છે. એમની સાથેનો છેલ્લા એક દશકાનો મધુર નાતો. એ સાથે હોય ત્યારે મધ્યકાલિન સાહિત્ય, લોકસાહિત્ય, આદિવાસી સાહિત્ય, લોકકળાઓ, સંગીત અને બીજા અનેક શાસ્ત્રોની એક એક ચર્ચા ચાલ્યા જ કરે. આવા મોટા વડિલ કે વિદ્વાન હોવાનો કોઈ ભાર નહીં. આણંદમાં અનેક પરિસંવાદો કે આબુ શિબિરની અમારી રાત્રિ બેઠકોમાં આનંદની છોળો ઉડે. ભાયાણીસાહેબ પછી પેઢીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યના છેલ્લા તારક. અમારે માટે તો પરિવારના એક વડિલ. હજી તો કેટલાં આયોજનો વિચાર્યાં હતા. એન.એસ.પટેલ આર્ટસ્ કોલેજમાં પરિસંવાદ, કંઠસંપદાનો વિશેષાંક અને અનેક પુસ્તકોનું પ્રકાશન, પણ... દાદા તમે ભલે આજે અનંત ચેતનામાં ભળી ગયા અમારી ચેતનામાં તમે હંમેશ જીવતા છો!
*અજયસિંહ ચૌહાણ*