ભગવદ ગીતામાં શ્રી ક્રિષ્ણએ ઉપદેશ આપીને જે જ્ઞાન વહેતુ મુક્યુ છે તેમાં બ્રહ્મની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગ બતાવ્યા, કર્મમાર્ગ-ભક્તિમાર્ગ-જ્ઞાનમાર્ગ.
કર્મ માર્ગ પર ચાલનાર જીવ કહે ‘ હું ભગવાનનો છું ‘
ભક્તિ માર્ગ પર ચાલનાર જીવ કહે ‘ ભગવાન મારો છે ‘
જ્ઞાન માર્ગ પર ચાલનાર જીવ કહે ‘ હું અને ભગવાન એક છીએ ‘
હું અને ભગવાન એક છીએ, આ જ્ઞાનનો વિષય છે એટલે જ્ઞાન થયા પછી તેને મહેસુસ કરીને તેનો અનુભવ કરવાનો છે. અનુભવીને તેને આચરણમાં મુકવાનુ છે. બોલવું ઘણુજ સહેલુ છે પરંતુ સિધ્ધ કરી બતાવવુ અઘરું છે.બ્રહ્મ બનવા માટે ખુબજ પરિશ્રમ કરવો પડે છે.મનના વિકારો દુર થઈ મન કંચન સમાન શુધ્ધ બને ત્યારેજ દુનિયાને અને ઈશ્વર ને સમજવા માટે દ્રષ્ટિ બદલાય. એક જ્ઞાની બોલે ‘ અહમ બ્રમ્હાસ્મિ ‘. જ્ઞાન છે પરંતું ખરેખર તે બ્રહ્મ સ્વરૂપ બન્યો છે ? જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે આચરણમાં મુકાય અને દ્રષ્ટિ બદલાય ,’સર્વત્ર સમદર્શનામ ‘ પરમેશ્વરના સ્વરૂપનો સાશાત્કાર થઈ જાય પછી સંસારમાં દરેક જીવ પ્રાણી માત્રમાં, કણકણમાં ઈશ્વરના દર્શન થાય, ઈશ્વરને મહેસુસ કરીએ ત્યારે જ તે બોલી શકે અહમ બ્રહ્માસ્મિ.ઈશ્વર જો કણ કણમાં સમાયેલ છે તો દરેક જીવ માત્રમાં તે વસે છે. પોતાને બધુજ જ્ઞાન હોવા છતાં પણ ઈશ્વર મંદિરમાં મુર્તિમાં દેખાય છે પરંતુ કોઈ દુખી કે ગરીબમાં ક્યારેય નથી દેખાતો. જો દ્રષ્ટિ બદલાય તો શક્ય છે. અને બોલવા માટે હક્કદાર બની શકે.
(ક્રમશઃ)