નહીંતર એવી કઈ *મા* છે
જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
*કુંવારા સપનાએ*
સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.
*– કુંતી*
સો સો હાથીનું બળ
પણ લાચાર
બની ચિત્કારી ઉઠ્યું,
*વચનોમાં બાંધી* બાંધી
આ પળ ઉતર્યાની માથાકૂટ છે.
*– ભીમ*
ખેંચાતા વસ્ત્રોના કંઠે
માંડ આટલા શબ્દો નીકળ્યાં,
*હોય અંધના અંધ,*
એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.
*– દ્રૌપદી*
અંગૂઠો ખોયાનો
અમને રંજ હજુયે
છે જ નહિં
બસ
*ખોટી મૂરત* સામે
*સાચા* થઈ ઊભર્યાની
માથાકૂટ છે.
*– એકલવ્ય*
જે કરવાનાં હતાં જ નહી
એ કામ કર્યાની માથાકૂટ છે,
*મોરપિચ્છને* હડસેલીને
*મુકુટ* ધર્યાની માથાકૂટ છે.
*–કૃષ્ણ*
*મૃત્યુ સામે "કપટ" હારતુ લાગ્યું*
ત્યારે સમજાયેલું,
*કેવળ પાસામાં* જ
અમારો જીવ
ઠર્યાની માથાકૂટ છે.
*– શકુનિ*
છેક *સાતમા કોઠામાં*
*ઘેરાયેલા સાહસને*
લાગ્યું,
*મા* ના કોઠામાંથી
હોંકારા ઉચર્યાની
માથાકૂટ છે.
*–અભિમન્યુ*
રોજ *પ્રતિજ્ઞાની શૈયા*
પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ
*નહી મર્યાની* માથાકૂટ છે.
*– ભીષ્મ*
*નથી જાણતા એમ નથી*
પણ કોઈ પૂછે
તો
એ બોલે છે,
*જીવન બીજું કશું નથી,*
આ ભેદ ભર્યાની માથાકૂટ છે.
*– સહદેવ*
*કવચ અને કુંડળની*
સાથે જીવ ઉતરડી પણ
આપું કે ?
*હોવું* એ તો અકસ્માત છે,
*તેજ ખર્યાની* માથાકૂટ છે.
*– કર્ણ*
*આંખો પર પાટા બાંધો*
એ દ્રષ્ટિનું અપમાન જ છે
ને
આમ જુઓ તો *હકીકતોથી*
રોજ ડર્યાની માથાકૂટ છે.
*– ગાંધારી*
*સમજણની* નજરેયથી
ના સમજે તો
સમજી લેવાનું
પુત્રમોહમાં
*આંખોએ અંધાર*
વર્યાની માથાકૂટ છે.
*–ધૃતરાષ્ટ્ર*
કવિ શ્રી કૃષ્ણ દવે