વ્હાલી બાબાં સહન કરવું એ ય છે એક લ્હાણું
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું
-કલાપી
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે
-કલાપી
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા
હમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે
-કલાપી
પધારો એમ કહેવાથી પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શેનાં અનાદર પ્રેમીને શાનો
વિનયની પૂરણી માગે અધુરી તેટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને
-દા.ખુ. બોટાદકર
ઉચ્ચાત્મા અસમાન ઉપર ખરે ના કોપ ક્યારે કરે
ચેષ્ટા તુચ્છ તણી ઉદાર હ્રદયે શું સ્થાન પામી શકે ?
-દા.ખુ. બોટાદકર
એકાંતે કે જનસમૂહમાં રાખવી એક રીતિ
સ્વીકારેલો પથ ન ત્યજવો સંતની એ સુનીતિ
-દા.ખુ. બોટાદકર
[શિખરિણી]
વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે
અને વે'ચી ખાતા પણ બહુ વિવેકી જન જડે
પરંતુ કૈં રાખ્યા વગર નિજ સંચ્યું જગતને
સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને
-દા.ખુ. બોટાદકર
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
-મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રસ તરસ્યા ઓ બાળ
રસની રીત મ ભૂલશો
પ્રભુએ બાંધી પાળ
રસ સાગરની પુણ્યથી
-નાનાલાલ
હૃદયની આજ્ઞા એક અને ચરણના ચાલવાં બીજાં
-નાનાલાલ
પાર્થને કહો, ચડાવે બાણ
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
-નાનાલાલ
આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
-નાનાલાલ
પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં
-રમણભાઈ નીલકંઠ
નહીં નમશે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
ઘટમાં ઘોડાં થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ
-ઝવેરચંદ મેઘાણી
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે
-ઝવેરચંદ મેઘાણી
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ
-ઝવેરચંદ મેઘાણી
ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે કાયર ભાગજો રે
-ફૂલચંદભાઇ શાહ
સ્વતંત્ર પ્રકૃત્તિ તમામ એક માનવી જ કાં ગુલામ
-ઉમાશંકર જોશી
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ના લાધશે
-ઉમાશંકર જોશી
હું માનવી માનવ થાઉં તો પણ ઘણું
-ઉમાશંકર જોશી
તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠા
-કરસનદાસ માણેક
કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે, જિંદગીના મોજા
-મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા
ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
-મકરંદ દવે
ઝાઝા છે ગુરુજીઓ ઝાઝા છે વળી ચેલા
એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા
ઝાઝા છે પક્ષકારો ઝાઝા છે દેશનેતા
એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા
-મકરંદ દવે
આપણાં દુ:ખનું કેટલું જોર
ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર
-રાજેન્દ્ર શાહ
લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું
તું જીતે ને થાઉં ખુશી હું લેને ફરી ફરીને હારું
-રાજેન્દ્ર શુક્લ
ઉંબરાની કોરે બેસી બાળકની જેમ
સમયના ટુકડાને ચગળતું મૌન
-રાજેન્દ્ર શુક્લ
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં
-જગદીશ જોશી
મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી 'શયદા'
બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
–બરકત વીરાણી ‘બેફામ’